મીડ-ડે માર્કેટ
નિફ્ટીએ 14700 કૂદાવ્યું
ભારતીય શેરબજાર વૈશ્વિક બજારો પાછળ ગેપ-અપ ઓપનીંગ બાદ વધુ સુધારો દર્શાવતું રહ્યું છે અને મધ્યાહને તે દિવસની ટોચ પર જ ટ્રડે થઈ રહ્યું છે. નિફ્ટી 14618ના સ્તરે ખૂલ્યાં બાદ સુધરતો રહી 14783ની ટોચ પર જોવા મળ્યો છે. વૈશ્વિક બજારોની સરખામણીમાં ભારતીય બજારનો દેખાવ સારો છે. જોકે સોમવારે રજા હોવાથી સ્થાનિક બજાર બે દિવસની તેજીને ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 14640ની સપાટી કૂદાવી મજબૂતી દર્શાવી છે. હવે બેન્ચમાર્ક માટે 14870-14900ની રેંજ પાર કરવી મહત્વની છે. જો આમ થશે તો બજારમાં તેજીનો ટ્રન્ડ અકબંધ ગણી શકાશે.
ઈન્ડિયા વિક્સમાં સાધારણ ઘટાડો
બજારમાં 2 ટકાની તેજી છતાં વોલેટિલિટી ઈન્ડેક્સમાં 1.45 ટકાનો સાધારણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 20.35 પર જોવા મળી રહ્યો છે. સામાન્યરીતે છેલ્લા મહિનામાં બજારમાં ઊંચી વોલેટિલિટી વચ્ચે વિક્સમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે.
તેજીની આગેવાની મેટલ પાસે
સતત ત્રીજા દિવસે ભારતીય બજારમાં તેજીની આગેવાની મેટલ શેર્સ લઈ રહ્યાં છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3 ટકા મજબૂતી સાથે તેની સર્વોચ્ચ ટોચથી 100 પોઈન્ટ્સ છેટે ટ્રેડ થઈ રહ્યો છે. મેટલ શેર્સમાં પણ સ્ટીલ શેર્સ આગળ ચાલી રહ્યાં છે. જેમાં સેઈલ 5 ટકા સુધારા સાથે રૂ. 80.45, જિંદાલ સ્ટીલ 4.25 ટકા સાથે રૂ. 339 પર, ટાટા સ્ટીલે 4.36 ટકા સાથે રૂ. 800ની સપાટી કૂદાવી છે. જ્યારે જેએસડબલ્યુ સ્ટીલ પણ 4 ટકા મજબૂતી સૂચવે છે. એનએમડીસી, એપીએલ એપોલો, હિંદ કોપરમાં પણ મજબૂતી જોવા મળી રહી છે.
ફાર્મા ઈન્ડેક્સ 2 ટકા મજબૂત
નિફ્ટી ફાર્મા 2 ટકા મજબૂતી સાથે 12000ની સપાટી પાર કરી ગયો છે. ફાર્મા શેર્સમાં ટોરેન્ટ ફાર્મા(3.7 ટકા), સિપ્લા(3 ટકા), કેડિલા હેલ્થકેર(2.8 ટકા), ડિવિઝ લેબોરેટરી(2.5 ટકા), ઓરોબિંદો ફાર્મા(2.5 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં છે. તમામ અગ્રણી ફાર્મા કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
એફએમસીજી, બેંકિંગ અને ફાઈ. સર્વિસિઝમાં પણ મજબૂતી
નિફ્ટી એફએમસીજી, બેંક અને ફાઈ. સર્વિસિઝ 1.5-1.8 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. આમ બજારને બ્રોડ સપોર્ટ પ્રાપ્ત છે. બેંક શેર્સમાં આડીએફસી ફર્સ્ટ બેંક 2.8 ટકા, એચડીએફસી બેંક 2.35 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 1.92 ટકા, બેંક ઓફ બરોડા 1.9 ટકા, એક્સિસ બેંક 1.8 ટકો સુધારો દર્શાવી રહ્યા છે. જ્યારે ફાઈ. સર્વિસિઝમાં પણ એચડીએફસી એએમસી 2 ટકા, બજાજ હોલ્ડિંગ્સ 1.9 ટકા અને એચડીએફસી લાઈફ 1 ટકાનો સમાવેશ થાય છે. એફએમસીજી ક્ષેત્રે હિંદુસ્તાન યુનિલીવર 3.31 ટકા, ઈમામી 3 ટકા, વરુણ બેવરેજીસ 2.5 ટકા, બ્રિટાનિયા 2.4 ટકા, નેસ્લે 2.4 ટકા, ગોદરેજ કન્ઝ્યૂમર 2.23 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
ગોલ્ડમાં એક ટકાની મજબૂતી
વૈશ્વિક બજારમાં નરમાઈ વચ્ચે સ્થાનિક બજારમાં ગોલ્ડ મજબૂતી દર્શાવી રહ્યું છે. એમસીએક્સ એપ્રિલ ગોલ્ડ વાયદો 1.2 ટકા અથવા રૂ. 515ના સુધારે રૂ. 44060 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર મે વાયદો રૂ. 70ન ઘટાડે રૂ. 64104 પર ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમા કોમેક્સ ખાતે સોનુ 7 ડોલર ઘટાડે 1707 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે.
Mid Day Market 30 March 2021
March 30, 2021