મીડ-ડે માર્કેટ
લગભગ બે કલાક સુધી પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થયા બાદ ભારતીય બજાર પણ અન્ય એશિયન માર્કેટ્સ સાથે જોડાયું છે અને લગભગ એક ટકાનો ઘટાડો દર્શાવી રહ્યું છે. સેન્સેક્સ તેની દિવસની ટોચથી 650 પોઈન્ટ્સ ઘટ્યો છે. નિફ્ટી 11749થી 11565ની રેંજમાં અથડાઈ છે. તેણે 34-ડીએમએનું સ્તર તોડ્યું છે. વૈશ્વિક સ્તરે કોરિયન કોસ્પી 2.5 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. એ સિવાય જાપાન, હોંગ કોંગ, ચીન, તાઈવાનના બજારો 2 ટકા સુધી નરમાઈ દર્શાવતાં હતાં.
બેંકિંગ, ફાઈનાન્સ, ટેલિકોમની આગેવાનીમાં ઘટાડો
સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, કોટક બેંક, એચયૂએલ જેવા કાઉન્ટર્સ 2 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. અન્ય બેંકિંગ શેર્સ પણ એકથી બે ટકા વચ્ચે નરમાઈ દર્શાવે છે. નેસ્લે, સનફાર્મા, એનટીપીસી, ઓએનજીસી, આઈટીસી, ટીસીએસમાં મજબૂતી જોવા મળતી હતી.
બેન્ચમાર્કમાં ઊંચી વધ-ઘટ છતાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
બેન્ચમાર્ક્સમાં બે બાજુની વધ-ઘટ છતાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ હતી. અલબત્ત, મોર્નિંગ ટ્રેડની સરખામણીમાં તેમાં થોડો ફેરફાર જોવા મળ્યો હતો. જોકે તેમ છતા બીએસઈ ખાતે 1148 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં હતાં. જયારે 1135 કાઉન્ટર્સમાં નરમાઈ હતી. નિફ્ટીને નીચા સ્તરે સપોર્ટ મળશે તો મીડ-કેપ્સમાં પણ તળિયાના ભાવે ખરીદી જોવા મળી શકે છે.
રિલાયન્સ ઈન્ડ.માં ટેકનિકલ બાઉન્સની શક્યતા
ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે રિલાયન્સ ઈન્ડ.માં ટૂંકાગાળા માટે એક તળિયું બની ચૂક્યું છે અને શેરમાં નીચા મથાળે શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. કંપની આજે બજાર બંધ થયા બાદ પરિણામો રજૂ કરવાની છે અને શેર પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે.
આજના પરિણામોઃ
આઈઓસી, ઈન્ડસઈન્ડ બેંક, ડીએલએફ, યૂપીએલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસિસઝ, ડિક્સોન ટેક્નોલોજિસ, દિપક નાઈટ્રેટ, એડલવેઈસ ફાઈ., સૂવેન ફાર્મા., મોતીલાલ ઓસ્વાલ ફાઈ., જસ્ટ ડાયલ જેવી કંપનીઓ પરિણામો રજૂ કરશે.