મીડ-ડે માર્કેટ
નિફ્ટીમાં સ્માર્ટ બાઉન્સ, તળિયેથી 200 પોઈન્ટ્સનો સુધારો
વૈશ્વિક બજારોમાં ઓવરનાઈટ મંદી પાછળ ગેપ-ડાઉન ખૂલેલાં ભારતીય બજારમાં તળિયાના ભાવથી તીવ્ર બાઉન્સ જોવા મળ્યો છે. નીચામાં 14980ના સ્તરે ટ્રેડ થયેલો નિફ્ટી મધ્યાહને 15189ની દિવસની ટોચ દર્શાવી રહ્યો છે. આમ તેણે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે. બુધવારના બંધભાવથી તે માત્ર 55 પોઈન્ટ્સ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. અન્ય બજારોની સરખામણીમાં ભારતીય બજારે ચડિયાતો દેખાવ જાળવ્યો છે.
નિફ્ટીને ટેક્નોલોજી, ફાર્મા અને એફએમસીજીનો સપોર્ટ
નિફ્ટી કાઉન્ટર્સમાં સૌથી ઊંચો દેખાવ દર્શાવનારા કાઉન્ટર્સમાં અદાણી પોર્ટ્સ 4 ટકા, વિપ્રો 2 ટકા, ટેક મહિન્દ્રા 1.7 ટકા, એસબીઆઈ લાઈફ 1.6 ટકા, ડો. રેડ્ડીઝ લેબ 1.5 ટકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુપીએલ, ઈન્ડસઈન્ડ બેંક, અશિયન પેઈન્ટ્સ, ગ્રાસિમ, બ્રિટાનિયા, ઈન્ફોસિસ, ટીસીએસમાં પણ મજબૂતી જોવા મળી રહી છે.
ઈન્ડિયા વીક્સ ત્રણ દિવસના ઘટાડા બાદ ફરી ઉછળ્યો
ઈન્ડિયા વીક્સમાં સતત ત્રણ દિવસ સુધી તીવ્ર ઘટાડા બાદ ગુરુવારે 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળે છે. તે 23.24 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો બજાર પોઝીટીવ ઝોનમાં પરત ફરશે અને ગ્રીન ઝોનમાં બંધ રહેશે તો વીક્સમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.
મીડ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી
લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.6 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 1.25 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. બંને બેન્ચમાર્ક્સ તેમની નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. નિફ્ટી મીડ-કેપ આઉટપર્ફોર્મર્સની વાત કરીએ તો અદાણી પાવર 10 ટકાની ઉપલી સર્કિટમાં બંધ છે. જ્યારે ગુજરાત સ્ટેટ પેટ્રો(7 ટકા), ભેલ(7 ટકા), એયૂ સ્મોલ ફાઈ. બેંક(6 ટકા), ટોરેન્ટ પાવર(4 ટકા), ટાટા પાવર(4 ટકા) અને આઈઆરસીટીસી 4 ટકાનો સમાવેશ થાય છે. આઈઆરસીટીસીએ પ્રથમવાર રૂ. 2000ની ટોચ દર્શાવી છે.
આઈટી કાઉન્ટર્સમાં મજબૂતી
છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોમાં સાઈડલાઈન રહેલાં આઈટી કાઉન્ટર્સ ગુરુવારે મજબૂતી દર્શાવી રહ્યાં છે. જેમાં વિપ્રો 1.7 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 1.5 ટકા, ટેક મહિન્દ્રા એક ટકો, એમ્ફેસિસ બીએફએલ 0.6 ટકા અને ઈન્ફોસિસ 0.44 ટકાની મજબૂતી દર્શાવે છે. ઈન્ફોસિસને ગુગલ ક્લાઉડ તરફથી 50 કરોડ ડોલરનો ઓર્ડર મળ્યો છે.
ફાર્મામાં પણ નીચેના સ્તરે લેવાલી
ફાર્મા કંપનીઓમાં કેડિલા હેલ્થ 1.2 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે ડો. રેડ્ડીઝ લેબો એક ટકો મજબૂતી સૂચવે છે. ઉપરાંત બાયોકો અને સન ફાર્મા પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
ગોલ્ડમાં નરમાઈ ચાલુ
એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 137ના ઘટાડે રૂ. 44811 પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદી રૂ. 37નો સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. ચાંદી સિવાય એમસીએક્સ ખાતે બેઝ મેટલ્સ, ક્રૂડ સહિત કોટન જેવી એગ્રી કોમોડિટીઝમાં નરમાઈ જોવા મળી રહી છે. ડોલર ઈન્ડેક્સ ગઈકાલે 91ની સપાટીને પાર કરી ગયો હતો અને તે અન્ય એસેટ ક્લાસિસ માટે ચિંતાનું કારણ છે.
મેટલમાં નરમાઈ
સતત તેજી દર્શાવ્યાં બાદ મેટલ શેર્સ થાક ખાઈ રહ્યાં છે. જેમાં જેએસડબલ્યુ સ્ટીલ 2.5 ટકા ઘટાડો સૂચવે છે. જિંદાલ સ્ટીલ 2.4 ટકા, એચડીએફસી 2.3 ટકા, સેઈલ 2.4 ટકા, વેદાંતા 2.17 ટકાની નરમાઈ સૂચવે છે.