મીડ-ડે માર્કટ
યુએસ પ્રમુખની ચૂંટણીના પરિણામનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. ટ્રમ્પ અને બિડેન, બંને વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. ટ્રમ્પને ફ્લોરિડા, ઓહાયો અને ટેક્સાસ જેવા સ્વિન્ગ સ્ટેટ્સમાં વિજય મળતાં તેઓ બિડેનની સરસાઈને ઓછી કરવામાં સફળ રહ્યાં હતાં. અત્યાર સુધીમાં બંને ઉમેદવારો 200થી વધુ ઈલેક્ટોરલ વોટ્સ મેળવી ચૂક્યાં છે. વિજેતા બનવા માટે 270 વોટ્સ મેળવવા અનિવાર્ય છે.
ટ્રમ્પ સુપ્રીમમાં જશે
દરમિયાનમાં વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને વિજયી જાહેર કર્યાં છે અને જણાવ્યું છે કે મતોની ગણતરીને અટકાવવા માટે તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે. તેમની આ જાહેરાત પાછળ બજારો તેમનો સુધારો ગુમાવી રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. ભારત સહિત એશિયન બજારોએ તેમનો સુધારો ગુમાવ્યો છે. નિફ્ટી 40 પોઈન્ટ્સ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. હેંગ સેંગ પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ 160 પોઈન્ટ્સ નીચે ચાલી રહ્યો હતો.
બુલિયનમાં નરમાઈ
પરિણામોના શરૂઆતી ટ્રેન્ડમાં બિડેન બાદ જેમ ટ્રમ્પનું પલ્લું ભારુ બનતું ગયું તેમ સોનું-ચાંદી નરમ બન્યાં હતાં. એમસીએક્સ ખાતે ચાંદી 2.5 ટકા ઘટાડે રૂ. 61100 પર ટ્રેડ થતી હતી. જ્યારે બેઝ મેટલ્સમાં પણ નરમાઈ હતી. જેમાં કોપર 1.7 ટકા, નીકલ 1.35 ટકા અને ઝીંક 1.3 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. સોનુ 0.7 ટકાના ઘટાડે રૂ. 51200 પર ટ્રેડ થતું હતું.
ફાર્મા, આઈટી, એફએમસીજી અને રિલાયન્સમાં મજબૂતી
સેન્સેક્સ શેર્સમાં સન ફાર્મા, ઈન્ફોસિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને નેસ્લેમાં 1.5 ટકાથી 4.5 ટકા સુધીનો સુધારો જોવા મળતો હતો. આ સિવાય ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, એચયૂએલ જેવા કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં હતાં.
બેંકિંગમાં પ્રોફિટ બુકિંગ
બે દિવસ સુધી તીવ્ર વૃદ્ધિ દર્શાવ્યાં બાદ બેંકિંગમાં વેચવાલી જોવા મળી હતી. આઈસીઆઈસીઆઈ બેંક 4 ટકાથી વધુનો ઘટાડો દર્શાવતી હતી. એક્સિસ બેંક, એચડીએફસી, પાવરગ્રીડ, એનટીપીસી જેવા કાઉન્ટર્સ પણ 1-3 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં.
કેર રેટિંગ્સમાં 20 ટકાની સર્કિટ
કેટલાક મીડ-કેપ્સ કાઉન્ટર્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. જેમાં કેર રેટિંગ્સ 20 ટકાની ઉપલી સર્કિટમાં રૂ. 365.20ના ભાવ પર બંધ રહ્યો હતો. હોનોટ, એડલવેઈસ, આઈઆઈએફએલ, ત્રિવેણી ટર્બાઈન, ડિમાર્ટ, નવીન ફ્લોરિન, જીઈપીઆઈએલ, રેડિકો, એલટીટીએસ, એલટીઆઈ, ક્રોમ્પ્ટન વગેરેમાં પણ 3-5 ટકાનો સુધારો જોવા મળતો હતો