મીડ-ડે માર્કેટ
નિફ્ટી પોઝીટીવ ટ્રેન્ડ જાળવવામાં સફળ
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજાર આજે હજુ સુધી પોઝીટીવ ટ્રેન્ડ જાળવી શક્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી 14608ની ટોચ બનાવી 14552 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 14507નું તળિયું દર્શાવ્યું છે. એક એફએમસીજીને બાદ કરતાં બજારને તમામ ક્ષેત્રોનો સપોર્ટ સાંપડ્યો છે.
ફાર્મા સેક્ટરમાં સૌથી સારી લેવાલી
છેલ્લા કેટલાંક દિવસોથી કોન્સોલિડેશનમાં જોવા મળી રહેલા ફાર્મા સેક્ટરે આજે તેજીની આગેવાની લીધી છે. નિફ્ટી ફાર્મા 2 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે અને તેની ટોચથી 100 પોઈન્ટસ છેટે ટ્રેડ થઈ રહ્યો છે. ફાર્મા ક્ષેત્રે નોંધપાત્ર સુધારો દર્શાવનારા કાઉન્ટર્સમાં લ્યુપિન 6 ટકાથી વધુ તેજી સૂચવી રહ્યો છે. જ્યારે એ સિવાય ઓરોબિંદો ફાર્મા 3 ટકા, આલ્કેમ લેબ 2.5 ટકા, સન ફાર્મા 1.5 ટકા, ડિવિઝ લેબ 1.5 ટકા અને ડો. રેડ્ડીઝ 1.5 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે.
પીએસયૂ બેંક્સમાં બીજા દિવસે મજબૂતી
જાહેર ક્ષેત્રની બેંક્સમાં સતત બીજા દિવસે મજબૂતી જોવા મળી રહી છે અને નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.7 ટકા સુધારા સાથે ટ્રેડ દર્શાવી રહ્યો છે. પીએસયૂ બેંક્સમાં સૌથી સારો સુધારો યુનિયન બેંક દર્શાવી રહ્યો છે. તે 3 ટકા મજબૂતી સૂચવે છે. જ્યારે કેનેરા બેંક 3 ટકા, બેંક ઓફ બરોડા 2.4 ટકા, જેકે બેંક 2 ટકા, સેન્ટ્રલ બેંક એક ટકાની મજબૂતી દર્શાવી રહ્યાં છે.
મેટલ્સમાં પણ મધ્યમ સ્તરનો સુધારો
ફાર્મા અને પીએસયૂ બેંક્સ બાદ નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1 ટકાથી વધુના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. મેટલમાં એનએમડીસીનો શેર 5 ટકા સુધારા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો છે. કંપનીનો શેર તેની રૂ. 165ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ ઉપરાંત હિંદાલ્કો 2.3 ટકા, સેઈલ 2 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 2 ટકા, નાલ્કો 2 ટકા અને જિંદાલ સ્ટીલ 1.2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
ગોલ્ડ-સિલ્વરમાં ફરી સુધારો, કોપરમાં નવી ટોચ
મંગળવારે બપોર સુધી મજબૂતી દર્શાવતી રહેલી કિંમતી ધાતુઓમાં સાંજે ઓચિંતી વેચવાલી આવી હતી અને ચાંદી રૂ. 70 હજારની નીચે જ્યારે સોનુ રૂ. 47 હજારની નીચે ઉતરી ગઈ હતી. જોકે આજે સવારે ચાંદી ફરી રૂ. 70000ની સપાટી પર જોવા મળી હતી. જ્યારે સોનુ રૂ. 47000 પર જોવા મળ્યું હતું. જોકે બંને ધાતુઓ રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવી રહી છે. બેઝ મેટલ્સમાં કોપરમાં નવી ટોચ જોવા મળી રહી છે. ક્રૂડ પણ 1.5 ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે નીકલ, ઝીંક અને એલ્યુમિનિયમ પણ મજબૂતી દર્શાવી રહ્યાં છે.
ઈન્ડિયા વિક્સમાં 2 ટકા ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે અને 22.54ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે 22-24ની રેંજમાં અથડાઈ રહ્યો છે. માર્કેટમાં સુધારા સાથે પણ વિક્સમાં જોઈએ તેવો ઘટાડો નથી નોંધાયો. જે સૂચવી છે કે માર્કેટમાં ઈન્ટ્રા-ડે ઉપરાંત આંતરે દિવસે જોવા મળતી વધ-ઘટ લંબાઈ શકે છે.
Mid Day Market 5 May 2021
May 05, 2021