મીડ-ડે માર્કેટ
નિફ્ટીનું ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ
ભારતીય બજાર આરંભિક તબક્કામાં રેડ કલરમાં જોવા મળ્યાં બાદ વૈશ્વિક બજારોના સપોર્ટથી ઝડપથી ગ્રીન ઝોનમાં પરત ફર્યું હતું અને હાલમાં તે અડધા ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. નિફ્ટીની રેંજ 14574થી 14779ની રહી છે. માર્કેટમાં બ્રેડ્થ સારી છે. જે સૂચવે છે કે બજારમાં પસંદગીના કાઉન્ટર્સમાં ખરીદી ચાલુ છે.
બેંક નિફ્ટીને બાદ કરતાં સઘળું ગ્રીન
બેંક નિફ્ટી ગ્રીન ઝોનમાં ટકી શક્યો નથી. તે હાલમાં સાધારણ નરમાઈ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે બેંકિંગ શેર્સ પર વેચવાલીનું દબાણ છે. જોકે સોમવારના તળિયાથી બેન્ચમાર્ક ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. તે સ્તર તૂટતાં બેંક નિફ્ટી 31500ના સ્તર સુધી ગગડી શકે છે. બેંકિંગ કાઉન્ટર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને એક્સિસ બેંક નરમાઈ સૂચવી રહ્યાં છે. જ્યારે આરબીએલ બેંક, ફેડરલ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક અને બંધન બેંકમાં સુધારો જોવા મળી રહ્યો છે.
ઈન્ડિયા વીક્સમાં નરમાઈ
સોમવારે તીવ્ર ઉછાળા બાદ ઈન્ડિયા વીક્સ 1.27 ટકાના ઘટાડે 20.95 પર ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટમાં રેંજ બાઉન્ડ ટ્રેડ સાથે તે દૈનિક ધોરણે મોટી વધ-ઘટ દર્શાવી રહ્યો છે.
મેટલ અને ફાર્મામાં મજબૂતી
નિફ્ટી મેટલ 4306ની સર્વોચ્ચ સપાટી દર્શાવી 4277 પર 1.21 ટકા સાથે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો છે. મેટલ ઈન્ડેક્સને હિંદુસ્તાન કોપર, વેલસ્પન કોર્પ, નાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, એપીએલ એપોલો, સેઈલ અને જિંદાલ સ્ટીલનો સપોર્ટ મળી રહ્યો છે.
ફાર્મા શેર્સમાં બાઉન્સ
સોમવારે બજારમાં આઈટી કાઉન્ટર્સમાં 2 ટકા મજબૂતી જોવા મળી હતી. જોકે ફાર્મા ઘટીને બંધ આવ્યાં હતાં. કોવિડના પ્રથમ રાઉન્ડ બાદ લોક ડાઉનમાં ફાર્મા શેર્સે તેજીની શરૂઆત કરી હતી. આમ સોમવારે ફાર્મા શેર્સનું વલણ અલગ હતું. અલબત્ત, તેમના વેલ્યૂએશન્સ ઘણા વધી ચૂક્યાં છે. જોકે તેઓ ટોચના ભાવથી કરેક્ટ થઈ ચૂક્યાં છે. મંગળવારે કેડિલા હેલ્થકેર, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, બાયોકોન, ડિવીઝ લેબમાં મજબૂતી જોવા મળી રહી છે.
મીડ અને સ્મોલ-કેપ્સમાં સારી ખરીદી
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.9 ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 0.8 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. આમ બીજી અને ત્રીજી હરોળના કાઉન્ટર્સમાં સારી ખરીદી ચાલુ છે એમ કહી શકાય. બીએસઈ ખાતે કુલ 2839 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1685 પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે 997 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
ગોલ્ડ-સિલ્વરમાં સુધારો
વૈશ્વિક બજાર પાછળ એમસીએક્સ ખાતે પણ સોનું-ચાંદી પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ગોલ્ડ જૂન વાયદો રૂ. 96ના સુધારે રૂ. 45445 પર જ્યારે સિલ્વર મે વાયદો રૂ. 448 પર રૂ. 65010ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડ ઓઈલ 1.7 ટકા મજબૂતી સાથે રૂ. 4350 પર ટ્રેડ થઈ રહ્યું છે.