મીડ-ડે માર્કેટ
વેચવાલી વચ્ચે નિફ્ટી હજુ પણ 14000 પર
માર્કટમાં વેચવાલી વચ્ચે નિફ્ટી હજુ પણ 14000 પર ટ્રેડ થઈ રહ્યો છે. સવારે ખૂલતામાં તેણે 14244ની ટોચ દર્શાવી હતી. જોકે ત્યાંથી તે પરત ફર્યો હતો અને 14040 સુધી તૂટ્યો હતો. સેન્સેક્સ પણ પેનિક સેલીંગમાં 500 પોઈન્ટ્સ સુધી ગગડ્યો હતો અને નરમ જ ટ્રેડ થઈ રહ્યો છે. યુએસમાં જ્યોર્જિયા ખાતે એક ડેમોક્રેટ ઉમેદવાર વિજેતા બની ચૂક્યો છે. જ્યારે સેનેટની બીજી બેઠકનું પરિણામ જાહેર થવાનું બાકી છે. જો બંને બેઠક ડેમોક્રેટ ઉમેદવાર જીતી જશે તો સેનેટમાં પણ ડેમોક્રેટની બહુમતી થઈ જશે અને તેઓ ટેક્સ વૃદ્ધિના એજન્ડાને આગળ લઈ જશે. જેની પાછળ બજારોમાં ઘટાડો જોવા મળી શકે છે.
કેમિકલ કંપનીઓમાં જળવાયેલો ખરીદીનો દોર
સ્પેશ્યાલિટી કેમિકલ્સ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં બુધવારે ખરીદી ચાલુ રહી હતી. જેમાં બાલાજી એમાઈન્સનો શેર 4 ટકા ઉછળી રૂ. 1135ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. તે માર્ચ મહિનાના રૂ. 204ના તળિયાથી 5 ગણુ રિટર્ન દર્શાવી રહ્યો છે. આલ્કિલ એમાઈન્સનો શેર પણ 10 ટકાના ગેપ-અપ ઓપનીંગ પર જોવા મળ્યો હતો. જોકે ત્યાંથી ગગડ્યો હતો અને બપોરે 0.7 ટકાનો સુધારો જ દર્શાવતો હતો. ગેલેક્સિ સર્ફેક્ટન્ટ્સનો શેર 2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2250ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થતો હતો. જ્યારે જીએચસીએલનો શેર 2 ટકાના સુધારે રૂ. 219ની ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થતો હતો.
બે દિવસ નોંધપત્ર સુધારા બાદ સોનુ-ચાંદી નરમ
કિંમતી ધાતુઓના ભાવમાં બુધવારે નરમાઈ જોવા મળી રહી હતી. જોકે તેઓ મહત્વના સાઈકોલોજિકલ સપોર્ટ પર ટકેલાં રહ્યાં હતાં. એમસીએક્સ સિલ્વર માર્ચ વાયદો રૂ. 70023ની સપાટીએ લગભગ એક ટકા ગેપ-ડાઉન ખૂલી રૂ. 70858 થઈને રૂ. 70500 આસપાસ અડધો ટકા ઘટાડો દર્શાવતો હતો. જ્યારે સોનુ 0.3 ટકાના ઘટાડે રૂ. 51553ના સ્તર પર ટ્રેડ થતું હતું. સોનામાં રૂ. 51 હજારનો મહત્વનો સપોર્ટ છે. જ્યારે ચાંદી રૂ. 70 હજારનું સ્તર જાળવશે તો વધુ સુધારો દર્શાવી શકે છે. બેઝ મેટલ્સમાં ઝીંક, કોપર અને એલ્યુમિનિયમમાં પોઝીટીવ ટ્રેડ જોવા મળતો હતો. જ્યારે નેચરલ ગેસમાં 3 ટકાનો અને ક્રૂડમાં સાધારણ નરમાઈ જોવા મળી હતી.
માર્કેટમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ પડી
બુધવારે ભારતીય બજારમાં શરૂઆતી તબક્કામાં મીડ અને સ્મોલ-કેપ્મસાં મજબૂતી પાછળ માર્કેટ બ્રેડ્થ સારી જોવા મળી હતી. જે વખતે 3075 શેર્સમાંથી 1810માં સુધારો જોવા મળતો હતો. જોકે બપોર બાદ ઓચિંતી વેચવાલી પાછળ બજારમાં મીડ અને સ્મોલ-કેપ્સ ઊંધા માથે પટકાયાં હતાં અને બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ નરમ પડી હતી અને 3175 કાઉન્ટર્સમાંથી માત્ર 1400 કાઉન્ટર સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે અન્ય કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
|