મીડ-ડે માર્કેટ
બેન્ચમાર્ક નિફ્ટી 13435ની ટોચ બનાવી 13393 પર 37 પોઈન્ટ્સના સુધારે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો છે. ઈન્ટ્રા-ડે તેણે રૂ. 13311નું બોટમ બનાવ્યું છે. બેન્ચમાર્ક સેન્સેક્સ પણ 160 પોઈન્ટસની મજબૂતી દર્શાવી રહ્યો છે. એશિયન બજારો જોકે નરમ જ ટ્રેડ થઈ રહ્યાં છે. આમ ભારતીય બજાર સતત બીજા દિવસે આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે.
મીડ-કેપ્સમાં આરામનો દિવસ
છેલ્લા સપ્તાહથી નિફ્ટીની સાથે તાલ મિલાવી રહેલું મીડ-કેપ સેગમેન્ટ આજે પ્રમાણમાં ઠંડુ જોવા મળી રહ્યું છે. બીએસઈ ખાતે 1550 કાઉન્ટર્સ નરમાઈ દર્શાવે છે. જ્યારે સામે 1240 કાઉન્ટર્સમાં મજબૂતી જોવા મળી રહી છે. સોમવારે 2000થી વધુ કાઉન્ટર્સ મજબૂતી દર્શાવતાં હતાં. આમ મીડ-કેપ્સમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ અપેક્ષિત છે.
સિમેન્ટ, રિલાયન્સ ઈન્ડ., આઈટી અને પ્રાઈવેટ બેંક્સનો સપોર્ટ
લાર્જ-કેપ્સમાં અગ્રણી સિમેન્ટ કાઉન્ટર અલ્ટ્રા-ટેક સિમેન્ટમાં મજબૂતી જોવા મળી રહી છે. લગભગ 3 ટકાના સુધારે તે રૂ. 5200 નજીક ટ્રેડ થઈ રહ્યો છે. એ સિવાય રિલાયન્સ ઈન્ડ. 1.9 ટકા સુધારે રૂ. 2000ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. જો સુધારો જળવાશે તો કાઉન્ટર રૂ. 2000ની સપાટી પર બંધ રહેશે. આ સિવાય એચડીએફસી બેંક અને કોટક બેંક જેવા કાઉન્ટર્સ મજબૂતી દર્શાવી રહ્યાં છે. ટીસીએસ અને ઈન્ફોસિસ પણ 1.5 ટકા સુધીની મજબૂતી દર્શાવી રહ્યાં છે.
પસંદગીની પીએસયૂ બેંક્સમાં આક્રમક લેવાલી
જાહેર ક્ષેત્રની બેંક્સ જેવીકે કેનેરા બેંક, ઈન્ડિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંકના શેર્સમાં 9 ટકા જેટલો સુધારો જોવા મળી રહ્યો છે. કેનેરા બેંકનો શેર 8.5 ટકાના સુધારે રૂ. 127.45 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે બેંક ઓફ ઈન્ડિયાનો શેર પણ રૂ. 50ની સપાટી પાર કરી ગયો છે.
રિલાયન્સ ઈન્ફ્રા. અને યસ બેંકમાં હવેથી 10 ટકાની સર્કિટ
એડીએજી જૂથના રિલાયન્સ ઈન્ફ્રા અને યસ બેંકમાં સર્કિટ બ્રેકરમાં સુધારો જોવા મળ્યો છે. લાંબા સમયથી 5 ટકાની સર્કિટ મર્યાદામાંથી બંને શેર 10 ટકાની મર્યાદામાં પ્રવેશ્યાં છે. રિલા. ઈન્ફ્રા.નો શેર બે દિવસથી 10 ટકાની સર્કિટમાં બંધ જોવા મળે છે. યસ બેંકનો શેર પણ મંગળવારે 9 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે.
ડીએચએફએલમાં ડેડ કેટ બાઉન્સ લંબાયો
અદાણી અને પિરામલ એન્ટરપ્રાઈઝ જેવા બીડર્સે રસ દર્શાવતાં ડીએચએફએલના શેરમાં સતત 5 ટકાની સર્કિટ્સ જોવા મળી રહી છે. મંગળવારે શેર 5 ટકા સુધારા સાથે તેની 52-સપ્તાહની ટોચ પર જોવા મળ્યો હતો.
અદાણી પોર્ટ્સનો શેર રૂ. 475ની ટોચ બનાવી નરમ ઝોનમાં
અદાણી જૂથના શેર્સ મંગળવારે શાંત જોવા મળી રહ્યાં છે. જોકે અદાણી પોર્ટ્સના શેરે સવારમાં રૂ. 475ની ટોચ દર્શાવી હતી અને ત્યારબાદ તે 2 ટકાના ઘટાડે રૂ. 462 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ડીમાર્ટનો શેર 5 ટકા ઉછળી વાર્ષિક ટોચ પર
ડીમાર્ટની માલિક એવન્યૂ સુપર માર્કેટનો શેર 5 ટકા મજબૂતી સાથે રૂ. 2643ની ટોચ પર ટ્રેડ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી શેર સતત સુધારો દર્શાવી રહ્યો છે. માર્ચ મહિનાના રૂ. 1701ના તળિયાથી તે 50 ટકાથી વધુ સુધરી ચૂક્યો છે.