મીડ-ડે માર્કેટ
નિફ્ટીએ 13501ના સ્તરને સ્પર્શી નવો ઈતિહાસ રચ્યો છે. હાલમાં તે 13480ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. યુએસ બજારમાં મજબૂતી પાછળ એશિયન બજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ માર્કેટને સપોર્ટ કરી રહ્યો છે. માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી વોલેટિલિટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ હજુ પણ બજારને ઓવરબોટ ગણાવી રહ્યાં નથી. અલબત્ત, ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ વેલ્યૂએશનને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.
કોવિડ-19 વેક્સિનને લઈને આજે નિર્ણય લેવાશે?
દેશમાં ડ્રગ રેગ્યુલેટર ડીજીસીઆઈ આજે દેશમાં કોવિડ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરીને લઈને નિર્ણય લે તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં ત્રણ કંપનીઓએ સરકાર પાસે તેમણે તૈયાર કરેલી વેક્સિનના ઉપયોગ માટે મંજરી માગી છે. જેમાં ફાઈઝર ઈન્ડિયા, સિરમ ઈન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેકનો સમાવેશ થાય છે. બજાર ઘણે અંશે આ કારણને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે અને તેથી આ પ્રકારના પોઝીટીવ અહેવાલ પાછળ તે પોઝ એટલેકે વિરામ માટે જઈ શકે છે.
મિડિયા, આઈટી, ફાર્મા,એફએમસીજી, મેટલમાં મજબૂતી
માર્કેટમાં કોઈએક સેક્ટરલ તીવ્ર તેજીમાં નથી. લગભગ દરેક ક્ષેત્ર એક સરખું કન્ટ્રીબ્યુટ કરી રહ્યાં છે. જોકે નિફ્ટી મિડિયા 3 ટકાથી વધુનો ઉછાળો દર્શાવે છે. જોકે તેનું બેન્ચમાર્ક્સમાં કોઈ વેઈટેજ નથી. આઈટી, ફાર્મા, મેટલ અને એફએમસીજી જેવા સેક્ટરલ સૂચકાંકો 0.75 ટકા સુધીની વૃદ્ધિ નોંધાવી રહ્યાં છે. પીએસયૂ બેંક્સ નોંધપાત્ર સુધારા બાદ થાક ખાઈ રહી છે. જ્યારે ખાનગી બેંક પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે.
બેન્ચમાર્ક્સને ખાનગી બેંકિંગનો સપોર્ટ
કોટક બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને ઈન્ડસઈન્ડ બેંક બેન્ચમાર્ક્સમાં સુધારો દર્શાવવામાં અગ્રણી કાઉન્ટર્સ છે. એ ઉપરાંત ઓએનજીસી પણ દોઢ ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. તેમજ તાજેતરની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ફોસિસ અને એચસીએલ ટેક્નોલોજી પણ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં છે.
રિલાયન્સ 1.27 ટકાના સુધારે ફરી રૂ. 2000 પર
હેવીવેઈટ 1.27 ટકાના સુધારે રૂ. 2000 પર ટ્રેડ થઈ રહ્યો છે. કાઉન્ટર કેટલાક સમય બાદ મજબૂતી દર્શાવી રહ્યો છે. ગ્રૂપ ચેરમેન મુકેશ અંબાણીએ દેશમાં ઝડપથી 5જી રજૂ કરવાની દર્શાવેલી આતુરતા પાછળ કાઉન્ટર મજબૂત જોવા મળે છે.
મીડ-કેપ્સમાં પરત ફરતી લેવાલી
મંગળવારે એક દિવસ માટે નરમ રહ્યાં બાદ આજે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી રહી છે. બીએસઈ ખાતે 1750થી વધુ કાઉન્ટર્સ ગ્રીન ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1050થી વધુ કાઉન્ટર્સ નરમાઈ સૂચવે છે. આમ મીડ અને સ્મોલ કેપ્સમાં આજે ખરીદી ચાલુ છે.
હોટ મીડ-કેપ કાઉન્ટર્સ
માર્કેટમાં હેરિટેજ ફૂડ, શોપર્સ સ્ટોપ, યસ બેંક, ડિશ ટીવી, વોખાર્ડ ફાર્મા, હિંદુસ્તાન કોપર, ગોડફ્રે ફિલિપ્સ, હટસન એગ્રો, ટીવીએસ શ્રીચક્ર જેવા કાઉન્ટર્સમાં સારી ખરીદી જોવા મળી રહી છે. તેઓ 7-14 ટકા સુધીની એકદિવસીય વૃદ્ધિ નોંધાવી રહ્યાં છે.