મીડ-ડે માર્કેટ
નિફ્ટી મધ્યાહને દિવસના તળિયે
ભારતીય શેરબજાર પ્રોફિટ બુકિંગનું દબાણ જોઈ રહ્યું છે. નિફ્ટી 14900ના સ્તર નીચે ગગડ્યો છે. હાલમાં તે 14840ના લગભગ દિવસના તળિયા પાસે ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 14956ની ટોચ દર્શાવી હતી. જોકે એશિયન બજારોમાં પણ નરમાઈને કારણે સ્થાનિક બજારને સપોર્ટ મળ્યો નહોતો અને તેણે નવુ 14832નું તળિયું દર્શાવ્યું હતું. લોંગ ટ્રેડર્સે 14745ના સ્ટોપલોસ તેમની પોઝીશન જાળવવી. 14745થી સોમવારે બજાર પરત ફર્યું હતું.
આઈટીમાં સતત ત્રીજા દિવસે મજબૂતી
નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.34 ટકાના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ચાલુ સપ્તાહની શરૂથી જ તે મજબૂતી દર્શાવી રહ્યો છે. મંગળવારે તેણે 34-ડીએમએના સ્તરને પાર કરી બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. આમ ટેકનિકલી તે મજબૂતી દર્શાવી રહ્યો છે. આઈટી શેર્સમાં આજે ઈન્ફોસિસે આગેવાની લીધી છે અને તે એક ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ટીસીએસ, ટેક મહિન્દ્રા, વિપ્રો અને એચસીએલ ટેક પણ સુધારો દર્શાવી રહ્યાં છે. ઈન્ફોસિસ તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે.
જાહેર સાહસો અને પીએસયૂ બેંક્સમાં વેચવાલીનું દબાણ
જાહેર સાહસોના શેર્સમાં તેમજ જાહેર ક્ષેત્રના બેંક શેર્સમાં વેચવાલી જોવા મળી રહી છે. પીએસયૂ બેંક શેર્સ 2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે નિફ્ટી પીએસઈ પણ 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાવી રહ્યો છે. ઘટાડો દર્શાવતાં અગ્રણી પીએસઈ કાઉન્ટર્સમાં બીપીસીએલ, નાલ્કો, ભેલ, એનટીપીસી, કન્ટેનર કોર્પોરેશન, ભારત ઈલેક્ટ્રીક, કોલ ઈન્ડિયા, ઓએનજીસી અને સેલનો સમાવેશ થાય છે. તેઓ તમામ 2 ટકાથી લઈ 4.5 ટકા સુધીનો ઘટાડો નોંધાવી રહ્યાં છે. નિફ્ટી પીએસયૂ બેંક્સમાં પણ બેંક ફ બરોડા 3 ટકા ઘટાડો સૂચવે છે. જ્યારે સેન્ટ્રલ બેંક, ઈન્ડિયન બેંક, કેનેરા બેંક, યુનિયન બેંક અને બેંક ઓફ ઈન્ડિયામાં 2-3 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઈન્ડિયન વિક્સમાં ઘટાડો
આશ્રર્યની બાબત એ છે કે બજારમાં ઈન્ટ્રા-ડે તેમજ એકાંતરે દિવસે વધ-ઘટ વચ્ચે વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકા ઘટાડે 20ના સ્તર નીચે ઉતરી ગયો છે અને 19.99 પર ચાલી રહ્યો છે. આમ બજારમાં વોલેટિલિટીનું પ્રમાણ ઘટતું જોવા મળી શકે છે. જે તેજીવાળાઓ માટે રાહતની વાત છે.
નિફ્ટી મીડ-કેપ્સમાં અને સ્મોલ-કેપ્સમાં ભારે વેચવાલી
ઘણા સમય બાદ નિફ્ટી મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ સૂચકાંકો નિફ્ટી કરતાં ઊંચો ઘટાડો દર્શાવી રહ્યાં છે. નિફ્ટી 0.5 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે ત્યારે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.5 ટકા અને નિફ્ટી સ્મોલ-કેપ 1.1 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. ઊંચો ઘટાડો દર્શાવતાં કેટલાક અગ્રણી મીડ-કેપ્સમાં પીએનબી હાઉસિંગ(5 ટકા), એલએન્ડટી ટેક્નોલોજી(4.5 ટકા), અશોક લેલેન્ડ(4 ટકા), આરબીએલ બેંક(4 ટકા), એડલવેઈસ(4 ટકા) અને ભેલ(4 ટકા)નો સમાવેશ થાય છે.
ક્રૂડ સહિત સોનું-ચાંદી પોઝીટીવ
કોમોડિટીઝમાં સુધારો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ ખાતે ક્રૂડ 0.75 ટકા વૃદ્ધિ સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ગોલ્ડ રૂ. 152ના સુધારે રૂ. 44965 પર જ્યારે ચાંદી રૂ. 161ના સુધારે રૂ. 67080 પર ટ્રેડ થઈ રહી છે. કોપર, ઝીંક અને એલ્યુમિનિયમ જેવી બેઝ મેટલ્સમાં પણ પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યો છે.
Midday Market 17 March 2021
March 17, 2021