વેકેન્ડ રિડીંગ
સેબીએ મ્યુચ્યુલ ફંડ્સ માટે ફ્લેક્સિ કેપ નામે નવી કેટેગરી રજૂ કરી
અમદાવાદ
માર્કટ રેગ્યુલેટર સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ શુક્રવારે મ્યુચ્યુલ ફંડ્સ માટે “ફ્લેક્સિ કેપ ફંડ” નામે નવી કેટેગરી રજૂ કરી હતી. આવી સ્કિમે તેના કુલ ભંડોળનો 65 ટકા હિસ્સો લાર્જ, મીડ અને સ્મોલ-કેપ્સમાં રોકવાનો રહેશે.
રેગ્યુલેટરે જણાવ્યું હતું કે સર્ક્યુલર તત્કાળ અસરથી અમલમાં આવશે અને તેણે જણાવ્યુ હતું કે આ કેટેગરી હેઠળની ફંડ સ્કીમ્સે ફ્લેક્સિ કેપનો ઉલ્લેખ કરવાનો રહેશે. સેબીએ જણાવ્યા મુજબ મ્ચચ્યુલ ફંડ્સને વર્તમાન સ્કિમને ફ્લેક્સિ કેપમાં ફેરવવાનો વિકલ્પ રહેશે. જોકે આ માટે તેમણે સ્કીમની મૂળભૂત જરૂરિયાતોનું પાલન કરેલું હોવું જોઈશે. ફંડ ઉદ્યોગે સેબીની જાહેરાતને વધાવી હતી અને જણાવ્યું હતું કે આ આમ થવાની શક્યતા હતી અને આ એક સારુ પગલું છે. મલ્ટીકેપ કેટેગરીમાં નિયમોમાં ફેરફારને કારણે કેટલાક ફંડ્સને પડી રહેલી તકલીફોને આ નવી કેટેગરીની રજૂઆત બાદ રાહત મળશે. તેઓ તેમની વર્તમાન સ્કીમને નવી કેટેગરીમાં તબદિલ કરી શકશે. સપ્ટેમ્બરમાં સેબીએ મલ્ટીકેપ ફંડ્સ માટેના નિયમોમાં ફેરફાર કર્યો હતો. જેમાં તેણે મલ્ટીકેપ ફંડ્સ માટે મીડ-કેપ અને સ્મોલ-કેપમાં લઘુત્તમ રોકાણ મર્યાદામાં વૃદ્ધિ કરી હતી. સેબીએ જણાવ્યું છે કે હવે મલ્ટીકેપ ફંડ્સ તેમની કુલ એસેટ્સના લઘુત્તમ 75 ટકા હિસ્સામાંથી લાર્જ-કેપ, મીડ-કેપ અને સ્મોલ-કેપ, દરેકમાં 25 ટકા હિસ્સો રોકી શકશે. અગાઉના મેન્ડેટ મુજબ તેઓ લઘુત્તમ 65 ટકા હિસ્સો ઈક્વિટી અથવા ઈક્વિટી સંબંધિત સાધનોમાં રોકવાનો રહેતો હતો. જોકે તેમાંથી કયા સેગમેન્ટ્સમાં કેટલું રોકાણ કરવું તેવી કોઈ મર્યાદા નહોતી રાખવામાં આવી.
નવા સપ્તાહે માર્કેટમાં નવી ટોચ જોવા મળે તેવી પૂરી શક્યતા
જો કોઈ અસાધારણ ઘટના ઘટે નહિ તો આગામી સપ્તાહે સ્થાનિક શેરબજારમાં નવી ટોચ જોવા મળે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે. શુક્રવારે રાતે યુએસ બજારો લગભગ ફ્લેટ રહ્યાં હતાં. શરૂઆતી ટ્રેડમાં નરમ ચાલી રહેલાં બજારો આખરે પોઝીટીવ અથવા સાધારણ ઘટાડે બંધ રહ્યાં હતાં. આમ બજારમાં સેન્ટિમેન્ટ મજબૂત જળવાયું હતું. એસજીએક્સ નિફ્ટી 103 પોઈન્ટ્સની મજબૂતી સાથે 12368 પોઈન્ટના સ્તર પર ટ્રેડ થતો હતો. નિફ્ટીએ 17 જાન્યુઆરીએ 11352નું સર્વોચ્ચ બંધ દર્શાવ્યું હતું. આમ એસજીએક્સ નિફ્ટી મુજબ બજાર ખૂલશે અને ટકી રહેશે તો નિફ્ટી નવી ટોચ પર ટ્રેડ થશે. સેન્કસેક્સ પણ તેની 42273ની સર્વોચ્ચ ટોચથી માત્ર 350 પોઈન્ટ્સ છેટે ટ્રેડ થઈ રહ્યો છે. જોકે બંધ સ્તરે તો તે સર્વોચ્ચ સપાટી દર્શાવી રહ્યો છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આઈટીસીનો નફો 20 ટકા ઘટી રૂ. 3232 કરોડ
સિગારેટ, એફએમસીજી સહિતના બિઝનેસિસમાં સક્રિય આઈટીસીનો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 19.65 ટકા ઘટી રૂ. 3232.40 કરોડ રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4023 કરોડ હતો. કંપનીએ સિગારેટથી લઈને હોટેલ બિઝનેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો હતો. કંપનીની સિગારેટ બિઝનેસની આવક ઘટીને 5121 કરોડ રહી હતી. જ્યારે હોટેલ બિઝનેસની આવક ઘટીને રૂ. 81.96 કરોડ રહી હતી. જે ગયા વર્ષે રૂ. 426 કરોડ પર હતી. કંપનીની બીજા ક્વાર્ટરની કુલ આવક ગયા વર્ષે સમાનગાળાના રૂ. 11750 કરોડથી વધી રૂ. 11892 કરોડ રહી હતી.
તહેવારોના માહોલ વચ્ચે પસંદગીના શેર્સમાં 10-40 ટકાનો ઉછાળો
કેર રેટિંગ એજન્સીના શેરે 37 ટકા સાથે સૌથી વધુ સુધારો નોંધાવ્યો
પ્રાઈવેટ બેંકીંગ, એનબીએફસી સહિત પીવીઆર જેવા કાઉન્ટર્સમાં પણ નોંધપાત્ર સુધારો જોવાયો
વૈશ્વિક બજારોમાં પોઝીટીવ સંકેતો તેમજ વિદેશી સંસ્થાકિય રોકાણકારોની જળવાયેલી ખરીદી વચ્ચે સ્થાનિક બજારમાં પણ તહેવારોની મોસમ જામી હતી. બેન્ચમાર્ક્સ તો તેમની જાન્યુઆરી મહિનાની ટોચ નજીક આવીને ઊભા હતા પરંતુ મીડ અને સ્મોલ-કેપ્સમા પણ સારી ખરીદી જોવા મળી હતી. ઘણા ક્વોલિટી કાઉન્ટર્સે સપ્તાહના પાંચ સત્રોમાં 10-40 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. જોકે મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોએ નિફ્ટી-સેન્સેક્સની સામે અન્ડરપર્ફોર્મન્સ નોંધાવ્યું હતું. અગ્રણી બેન્ચમાર્ક્સ 5 ટકાથી વધુ સુધર્યાં હતાં. જ્યારે મીડ-કેપ ઈન્ડેક્સ 3.3 ટકા અ સ્મોલ-કેપમાં 2.2 ટકાનો સામાન્ય સુધારો જોવા મળ્યો હતો.
એસએન્ડપી બીએસઈ 500 ઈન્ડેક્સના 33 જેટલા કાઉન્ટર્સે જોકે સપ્તાહદરમિયાન 10-40 ટકાનો સુધારો દર્શાવ્યો હતો. જેમાં કેર રેટિંગ્સ 36.91 સાથે ટોચ પર હતો. કંપનીએ સારા પરિણામો રજૂ કરતાં શેર બે દિવસ માટે ઉપલી સર્કિટમાં બંધ જોવા મળ્યો હતો. આ સિવાય ખાનગી ક્ષેત્રના બેકિંગ શેર્સનો દેખાવ પણ સારો રહ્યો હતો. જેમાં ઈન્ડસઈન્ડ બેંકનો શેર 26 ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. એનબીએફસી કાઉન્ટર શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સમાં 22 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. અગ્રણી પીએસયૂ બેંક એસબીઆઈનો શેર પણ આશ્ચર્યકારી પરિણામો પાછળ લગભગ 16 ટકા જેટલો ઉછળ્યો હતો. કેટલાક અન્ય કાઉન્ટર્સ બજાજ ફાઈનાન્સ, પીવીઆર, આઈઆઈએફએલ ફાઈનાન્સ અને આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ લેવાલી જોવા મળી હતી. પીવીઆરે બીજા ક્વાર્ટરમાં અપેક્ષાથી નીચી ખોટ દર્શાવતાં કાઉન્ટરમાં ખરીદી જોવા મળી હતી.
સ્ક્રિપ્સ સપ્તાહ દરમિયાન વૃદ્ધિ(% )
કેર રેટિંગ્સ 36.91
ઈન્ડ્સઈન્ડ બેંક 26.14
શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈ. 22.14
એસબીઆઈ 15.75
બંધન બેંક 14.36
બજાજ ફાઈનાન્સ 14.22
પીવીઆર 13.72
આઈઆઈએફએલ ફાઈનાન્સ 13.31
આઈસીઆઈસીઆઈ બેંક 12.88